સુરત અમરોલીમાંથી ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ 84 કલાકના ઓપરેશન મુસ્કાનમાં 110 પોલીસકર્મીઓની ટીમે ત્રણ બાળકોને સુરક્ષિત રેસ્ક્યુ કર્યા છે. આ મામલે પોલીસે પપ્પુ સિનિયા ખડીયાની ધરપકડ કરી છે.
આ ઘટનાની શરૂઆત તા. 2 એપ્રિલ ૨૦૨૬ના રોજ બની હતી, જ્યારે સુરત અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના છાપરાભાઠા ખાતે તાપી નદીના કિનારે આવેલા એક ગાર્ડનમાંથી અજાણ્યા શખ્સે ચાર વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. આ બનાવની જાણ પોલીસને એક દિવસ બાદ, ૩ એપ્રિલે કરવામાં આવી હતી, જે બાદ અમરોલી પોલીસે ગુનો નોંધી બાળકીને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાળકીને શોધવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ “ઓપરેશન મુસ્કાન” શરૂ કરવામાં આવ્યું હતું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા મળીને વિશાળ સ્તરે તપાસ હાથ ધરાઈ હતી. પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, 9 PSI અને કુલ 110થી વધુ પોલીસકર્મીઓની ટીમો બનાવીને સતત 84 કલાક સુધી નોન-સ્ટોપ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું
તપાસ દરમિયાન CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અપહરણકર્તા બાળકી સાથે તેમજ બે અન્ય બાળકો સાથે જતા જોવા મળ્યો હતો. પોલીસે પ્રથમ જ દિવસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લીધી હતી. તપાસમાં સામે આવ્યું કે, આરોપી બાળકીનું અપહરણ કરીને પહેલા સાયણ લઈ ગયો અને ત્યારબાદ ટ્રેન મારફતે અન્ય સ્થળે ભાગી ગયો હતો.
પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરતથી મુંબઈ અને અમદાવાદ તરફ જતા કુલ 43થી વધુ રેલવે સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. સાથે જ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની રેલવે પોલીસ, RPF, GRP, રેલવે કર્મચારીઓ, રિક્ષા સંઘો અને ફૂડ સ્ટોલ સંચાલકોની મદદ લેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ મોટી માત્રામાં બાળકીની માહિતી વહેંચવામાં આવી હતી.
આ જ પ્રયાસોનું પરિણામ તરીકે 6 એપ્રિલે સવારે એક જાગૃત નાગરિક દ્વારા મળેલી માહિતીના આધારે બાળકી અમદાવાદના નારોલ વિસ્તારમાં હોવાનો પત્તો મળ્યો હતો. જેથી તરત જ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને નારોલ પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં વડોદરા અને આણંદની ટીમો પણ આ ઓપરેશનમાં જોડાઈ હતી.
તપાસને અંતે આરોપી પપ્પુ સિનિયા ખડીયા (ઉંમર 30), જે દાહોદ જિલ્લાના રહેવાસી છે અને હાલ છાપરાભાઠા વિસ્તારમાં રહેતો હતો, તેને બાળકી તથા અન્ય બે બાળકો સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જે બાદ પૂછપરછમાં આરોપી પપ્પુ ખડીયાએ સ્વીકાર્યું કે, બાળકી સાથે સહાનુભૂતિ મેળવી લોકો પાસેથી પૈસા અને ખોરાક મેળવવાના ઈરાદે તેણે આ અપહરણ કર્યું હતું. ત્યારે હાલ પોલીસે અન્ય બે બાળકોના વાલી-વારસ અંગે તપાસ શરૂ કરી છે
રિપોર્ટર સુરેશ ઠાકોર ઇન્ડિયા ટીવી લાઈવ






